અનંત આકાશમાં અસંખ્ય જ્યોતિપિંડો નજરે પડે છે. પૃથ્વીના પરિધમાં આવતા તારકસમૂહનો એક પ્રકાશપટલ કલ્પવામાં આવ્યો છે. એને ભચક્ર કહે છે. એના સત્તાવીશ ભાગ પાડી સત્તાવીશ નક્ષત્રો નક્કી કરવામાં આવ્યાં છે. ગણતરીની સરળતા ખાતર ‘અભિજિત’ નામનુ વધારાનું એક નક્ષત્ર ઉમેરી કુલ અઠ્ઠાવીસ નક્ષત્ર નિર્ધારિત કર્યા છે.

નક્ષત્રોનાં નામ :

અશ્વિની, ભરણી, કૃત્તિકા, રોહિણી, મૃગશીર્ષ, આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મુળ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, અભિજિત, શ્રવણ, ધનિષ્ટા, શતતારા, પૂર્વાભાદ્રા, ઉત્તરાભાદ્રા, રેવતી.

પ્રત્યેક નક્ષત્રને ચાર ભાગમાં વિભાજિત કરી એને ચરણ કહેવામાં આવ્યા છે. આ ચરણોના ચોક્કસ અક્ષર નક્કી કરવામાં આવ્યા છે. જાતકના જન્મકાલીન નક્ષત્ર અને એના ચરણાક્ષર પર એનું નામ રાખવામાં આવે છે.

બલ, બાલવ, કૌલવ, તૈતિલ, ગર, વણિજ, વિષ્ટિ, શકુનિ, ચતુષ્પદ, નાગ, કિંસ્તુધ્ન,  આ કરણોનાં નામ છે. પ્રત્યેક કરણમાં કરવાનાં કાર્યોની વિગતો આગળ વિસ્તારમાં આપવામાં આવશે.

સુર્ય, ચંદ્રની આકાશીય સ્થિતિ જાણવા ૨૭ યોગો ઉત્પન્ન કરવામાં આવ્યા છે. આ સ્થિતિના જ્ઞાન માટે સૂર્ય- ચંદ્રના ભોગનો સરવાળો ૧૩ અંશ ૨૦ કળા થાય તેને એક યોગ કહે છે. આમ ૩૬૦ અંશ પૂરા થવા માટે ૨૭ યોગો થાય છે.
તે આ પ્રમાણે છે

વિષ્કંભ, પ્રીતિ, આયુષ્યમાન, સૌભાગ્ય, શોભન, અતિગંડ, સુકર્મો, ધ્રુતિ, શૂળ, ગંડ, વૃદ્ધિ, ધ્રુવ, વ્યાધાત, હર્ષલ, વજૂ

સિદ્ધિ, વ્યતિપાત, વરીયાન, પરિઘ, શિવ, સિદ્ધિ, સાધ્ય, શુભ, શુકલ, બ્રહ્મ, ઐંદ્ર, વૈધૃતિ,

રવ્યાદિ સાત ગ્રહોની રોજની અસરો જાણવા માટે વાર ઉત્પન્ન કરવામાં આવ્યા છે.
વાર એક સુર્યોદયથી બીજા સૂર્યોદય સુધી ગણવામાં આવે છે.
વાર સાત છે. સોમ, બુધ, ગુરુ અને શુક્ર શુભ ગણાય છે.

રવિ, મંગળ અને શનિ ક્રૂર વાર ગણાય છે.

ચંદ્રની એક કળાને તિથિ કહેવામાં આવે છે. એકમથી પૂનમ સુધીની શુક્લપક્ષની પંદર અને એકમથી અમાવસ્યા સુધીની કૃષ્ણપક્ષની પંદર, એમ ત્રીસ દિવસનો એક માસ થાય છે. તિથિઓ અંકોમાં લખાય છે. પૂર્ણિમાં માટે ૧૫ અને અમાવસ્યા માટે ૩૦ લખાય છે. પંદર તિથિના પૂર્ણા, રિક્તા, જયા, ભદ્રા અને નન્દા એમ એના પાંચ વિભાગ છે. ૪, ૯, ૧૪ આ રિક્તા તિથિઓ ગણાય છે. શુભ કાર્ય એમા વર્જ્ય છે. અમાવસ્યાના પિતૃઓ સ્વામી છે.
૨, ૩, ૫, ૭, ૧૦, ૧૧ આ તિથિઓ શુભ કાર્ય માટે ઈષ્ટ છે.

કુંડળી

સામાન્ય રીતે જ્યોતિષી ફળકથન જન્મકુંડળીના આધારે કરે છે. જન્મકુંડળી એટલે જાતકના જન્મસમયના ગ્રહોનો નકશો એને જન્માક્ષર અથવા જન્મપત્રિકા પણ કહે છે. ભવિષ્યકથનની સચ્ચાઈ અને સચોટતાનો આધાર જન્મકુંડળીની સચ્ચાઈ પર છે જન્મનો સમય જન્મસમયનો સ્પષ્ટ સૂર્ય અને જન્મસ્થળના અક્ષાંશ, રેખાંશ ચોક્કસ હોવાં જરૂરી છે. જન્મકુંડળીના બાર ભાવોમાં રહેલી રશિ અને ગ્રહોની સ્થિતિ, પરસ્પર સંબંધ, દ્રષ્ટિ, બળ ઈત્યાદિના આધારે ચતુર ભવિષ્યવેત્તા ભવિષ્યકથન કરે છે.

તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણ ઈત્યાદિ પંચાંગના આધારે જાણી શકાય છે. શુભ મુહૂર્ત માટે પંચાંગ આજકાલ સર્વપ્રિય સાધન રહ્યું છે. ગણેશ દૈવજ્ઞ પંડિતના ગ્રહ લાઘવ ગ્રંથની, પરંપરાગત પંચાંગની રચનામાં સહાય લેવાય છે. આ પરંપરા નિરયન પદ્ધતિ પર અવલંબિત છે, ગ્રિનીચ વેધશાળાના પ્રત્યક્ષ ગણિતના બોટીકલ આત્માનાકના આધારે સાયન પદ્ધતિને પણ આપણાં કેટલાંક પંચાંગોએ ઈષ્ટ ગણી આવકારી છે.

જ્યોતિષશાસ્ત્રની અદભુત સત્યતા એના સૂક્ષ્મ ગણિત અને ફળકથનમાં રહેલી છે. બ્રહ્માંડવ્યાપી મહાકાળના યુગ, સંવત્સર, વર્ષ, અયન, ઋતુ, માસ, પક્ષ, દિવસ, તિથિ, પ્રહર, મુહૂર્ત, ઘડી, પળ, વિપળ, પ્રાણ જેવા સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાગ કરી, ક્ષેત્રના આધારે નક્ષત્ર, રાશિ, અંશ, કળા, વિકળા, જેવા ભાગ કરી જ્યોતિષના આચાર્યોએ સતત અવલોકન અને નિરીક્ષણથી, જલયંત્ર, છાયાયંત્ર અને પ્રત્યક્ષ દર્શનથી સિદ્ધાંતોનું પરીક્ષણ કરી, ગ્રહોની સ્થિતિ, ભ્રમણ, અક્ષાંશ, રેખાંશ, ઉદય, અસ્ત, છાયા, નાડી, કરણ, યોગ વગેરેનું સાચું ગણિત આપ્યું છે.