અધ્યાય – ૨


* આકાશમંડળમાં રશિચક્રમાં ગ્રહોની ગતિ નિરંતર ચાલ્યા કરે છે. સૂર્ય એક રાશિમાં એક મહિનો રહિ બીજી રાશિમાં ગતિ કરે એને સંક્રાન્તિ કહે છે.
* પૃથ્વીની ગતિથી અયન થાય છે. ઉત્તરાયન અને દક્ષિણાયન.
* સૂર્ય મકર રાશિમાં આવે તેને મકરસંક્રાન્તિ કહે છે.

એ જ રીતે ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ૨૭ દિવસમાં પોતાની પરિક્રમા પૂરી કરે છે. સૂર્ય એક માસ, ચંદ્ર સવા બે દિવસ, મંગળ અઢી માસ, બુધ બાવીસ દિવસ, શુક્ર એક માસ, શનિ ૩૦ માસ અને રાહુ-કેતુ અઢાર માસ એક રાશિમાં રહે છે.
જે ગ્રહો એક સરખી ગતિએ પોતાના પ્રદક્ષિણા-માર્ગમાં ચાલતા હોય તેને માર્ગી કહેવામાં આવે છે.
મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ – આ ગ્રહોની ચાલ એકસરખી હોતી નથી. ક્યારેક અતિચારી (ઝડપથી) ચાલે છે; ક્યારેક વક્ર એટલે પાછલી ગતિથી ચાલે છે એને વક્રી કહેવામાં આવે છે. પંચાંગમાં ગ્રહોની શીધ્ર, મંદ, વક્ર, સ્થંભિત અને માર્ગી ગતિનો ચોક્કસ સમય ગણતરીપૂર્વક આપવામાં આવ્યો હોય છે. જાતકના જન્મસમયે જે ગ્રહ માર્ગી હોય છે તેને જીવનભર માર્ગીના રૂપમાં ફળ આપે છે અને જે ગ્રહ વક્રી હોય છે તે તેને જીવનભર વક્રીના રૂપમાં ફળ આપે છે. અલબત્ત ગ્રહોની દૈનિક ગોચર ગતિના આધારે માર્ગી અથવા વક્રી થતા ગ્રહો જાતકના જીવન પર પોતાનો ભલો-બૂરો પ્રભાવ તો પાડતા જાય છે.

ગ્રહોનાં છ પ્રકારનાં બળ હોય છે.
(૧) સ્થાનબળ (૨) દિગ્બળ (૩) કાળબળ (૪) નૈસર્ગિક બળ (૫) ચેષ્ટાબળ (૬) દ્ગ્બળ

 

(૧) સ્થાનબળ – જે ઉચ્ચ હોય સ્વગ્રહી, મિત્રગ્રહી અથવા મૂલ ત્રિકોણમાં હોય તે સ્થાન બળી કહેવાય છે.
ચ્ંદ્ર અને શુક્ર સમ રાશિમાં-વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક, મકર અને મીનમાં અને બીજા ગ્રહ સૂર્ય, મંગળ, બુધ, ગુરૂ, શનિ, રાહુ, કેતુ, વિષમ રાશિમા-એટલે મેષ, મિથુન, સિંહ, તુલા ધન અને કુંભમાં હોય તો બળવાન થાય છે.

(૨) દિગ્બળ – જન્મકુંડળીમાં પ્રથમ ભાવને પૂર્વ દિશા, ચતુર્થ ભાવને ઉત્તર દિશા, સપ્તમ ભાવને પશ્ચિમ દિશા અને દશમ ભાવને દક્ષિણ દિશા માનવામાં આવે છે. બુધ અને ગુરૂ પ્રથમ ભાવમાં હોય તો ચંન્દ્ર અને શુક્ર ચતુર્થ ભાવમાં, શનિ સાતમાં અને સૂર્ય અને મંગળ દશમાં ભાવમાં દિગ્બલી હોય છે.

(૩) કાળબળ – જાતકનો જન્મ રાત્રિમાં થયો હોય તો ચન્દ્રમા, શનિ અને મંગળ કાળબળી હોય છે. દિવસમાં જન્મ થયો હોય તો સૂર્ય, બુધ અને શુક્ર કાળબલી હોય છે. ગુરૂ સર્વકાળ બલી છે.

(૪) નૈસર્ગિક બળ – શનિ, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, ચન્દ્ર, સૂર્ય ઉત્તરોત્તર એકબીજાથી બળવાન હોય છે; એટલે કે શનિથી મંગળ; મંગળથી બુધ; બુધથી ગુરૂ; ગુરૂથી શુક્ર; શુક્રથી ચંદ્ર; ચંદ્રથી સૂર્ય અધિક બળવાન હોય છે.

(૫) ચેષ્ટાબળ – મકર રાશિથી મિથુન રાશિ સુધી કોઈપણ રાશિમાં હોતાં સૂર્ય તથા ચંદ્ર અગ્રબલી હોય છે. મંગળ, બુધ, ગુરૂ, શુક્ર તથા શનિ ચંદ્રમાની સાથે હોતાં ચેષ્ટાબલી હોય છે.

(૬) દ્દગ્બળ – જે પાપ ગ્રહો પર શુભ ગ્રહોની દ્રષ્ટિ પડે છે, તે દ્રષ્ટિનું બળ પામીને તેઓ દ્દગ્બલી થાય છે.

બધા ગ્રહો કુંડળીમાં પોતે જે સ્થાનમાં હોય તે સ્થાનથી ગણતાં સાતમા સ્થાન પર દ્રષ્ટિ કરે છે.

મંગળ –   પોતાના સ્થાનથી સાતમા સ્થાન ઉપરાંત ચોથા અને આઠમા સ્થાન પર દ્રષ્ટિ કરે છે.

ગુરૂ       પોતાના સ્થાનથી સાતમા સ્થાન ઉપરાંત પાંચમા અને આઠમા સ્થાન પર દ્રષ્ટિ કરે છે.

શનિ –    પોતાના સ્થાનથી સાતમા સ્થાન ઉપરાંત ત્રીજા અને દશમા સ્થાન પર દ્રષ્ટિ કરે છે.

સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચ્નો અને તુલા રાશિમાં નિચનો હોય છે.

ચંદ્ર વૃષભ રાશિમાં ઉચ્ચનો અને વૃશ્ચિક રાશિમાં નીચનો હોય છે.

મંગળ મકર રાશિમાં ઉચ્ચનો અને કર્ક રાશિમાં નીચનો હોય છે.

બુધ કન્યા રાશિમાં ઉચ્ચનો અને મીન રાશિમાં નીચનો હોય છે.

ગુરૂ કર્ક રાશિમાં ઉચ્ચનો અને મકર રાશિમાં નીચનો હોય છે.

શુક્ર મીન રાશિમાં ઉચ્ચનો અને કન્યા રાશિમાં નીચનો હોય છે.

શનિ તુલા રાશિમાં ઉચ્ચનો અને મેષ રાશિમાં નીચનો હોય છે.

રાહુ મિથુન અથવા વૃષભમાં ઉચ્ચનો અને ધન રાશિમાં નીચનો હોય છે.

કેતુ ધન અથવા વૃશ્ચિકમાં ઉચ્ચનો અને મિથુન અથવા વૃષભમાં નીચનો હોય છે.

જન્મકુંડળીના બાર ભાવોને, વિભાજિત કરી એનાં નીચે મુજબ નામ આપ્યાં છે.

કેન્દ્ર :- પ્રથમ, ચતુર્થ, સપ્તમ અને દશમ ભાવને કેન્દ્ર કહે છે.

પણફર :- દ્વિતીય, પંચમ, અષ્ટમ અને એકાદશ ભાવને પણફર કહે છે.

આપોકિલમ :- તૄતિય, ષષ્ઠ, નવમ અને દ્વાદશ ભાવને આપોકિલમ કહે છે.

ત્રિકોણ :- પંચમ અને નવમ ભાવને ત્રિકોણ કહે છે.

મારક :- દ્વિતીય અને સપ્તમ ભાવને મારક કહે છે.

પ્રથમ ભાવ :  

એને લગ્ન, તનુ, વપુ, અંગ, ઉદય, આત્મા, કેન્દ્ર એ પ્રથમ ભાવ કહે છે. પ્રથમ ભાવ દ્વારા જાતકનાં સ્વરૂપ, જાતિ, આયુ, આકૃતિ, વિવેક, શીલ, સુખદુઃખ અને શીર્ષની બાબતમાં વિચારાય છે.

આ ભાવનો કારક સૂર્ય છે. એમાં મિથુન, કન્યા તથા કુંભમાંથી કોઇ રાશિ હોય તો તે બળવાન મનાય છે. લગ્નેશની સ્થિતિ અને બલાબલ પ્રમાણે જાતકની ઉન્નતિ, અવનતિ અને કાર્યકુશળતા વિષે જાણી શકાય છે.

દ્વિતિય ભાવ : 

એને ધન, અર્થ, કોશ, વિષ, દ્રવ્ય, કુટુંબ, સ્વ, પણફર અથવા દ્વિતિય ભાવ કહે છે. આ ભાવનો કારક ગુરુ છે.

આ ભાવ દ્વારા જાતકનાં સ્વર, સૌંદર્ય, આંખ, નાક, કાન, ગાયન, પ્રેમ, કુળ, મિત્ર, સત્યવાદિતા, સુખોપભોગ, બંધન, ક્રય – વિક્રય, સુવર્ણ, ચાંદી, મણિ, રત્ન આદિ સંચિત દ્રવ્ય પર વિચાર થાય છે.

તૃતિય ભાવ : 

એને સહજ, પરાક્રમ, ભ્રાતૃ, ઉપચય, દુશ્વિક્ય, આપોકિલમ તથા તૃતિય ભાવ કહે છે. એનો કારક મંગળ છે.

આ ભાવ દ્વારા જાતકનાં પરાક્રમ, કર્મ, સાહસ, ધૈર્ય, શૌર્ય, સહોદર, નોકર, ચાકર, યોગાભ્યાસ, શ્વાસ, દમ, ક્ષય આદિ રોગો સંબંધી વિચાર થાય છે.

ચતુર્થ ભાવ : 

એને સુહ્રદ, સુખ, ગ્રહ, તુર્ય, હિબુક, વાહન, યાન, નીર, અમ્બુ, બન્ધુ, પાતાળ, કેન્દ્ર અથવા ચતુર્થ ભાવ કહે છે. આ ભાવનો કારક ચંદ્ર છે.

આ ભાવ દ્વારા જાતકનાં સુખ, ગૃહ, ગ્રામ, સંપત્તિ, મકાન, બાગબગીચા, ચાર પગવાળાં પ્રાણી, માતાનું સુખ, અંતઃકરણ, દયા, ઉદારતા, છળ, કપટ, નિઘિ, લીવર અને પેટના રોગ સંબંધી વિચાર થાય છે.

પંચમ ભાવ : 

એને પુત્ર, સુત, તનુજ, બુદ્ધિ, વિધા, આત્મજ, વાણી, પણફર, ત્રિકોણ અથવા પંચમ ભાવ કહે છે. આ ભાવનો કારક ગુરુ છે.

આ ભાવ દ્વારા જાતકની બુદ્ધિ, વિધા, વિનય, નીનિ, દેવભક્તિ, પ્રબન્ધ, વ્યવસ્થા, આકસ્મિક ધનપ્રાપ્તિ, નોકરી, પરિશ્રમનો યશ, સંતાનસુખ, મૂત્રપિણ્ડ, બસ્તિ, ગર્ભાશય વગેરે સબંધી વિચારાય છે.

ષષ્ઠ ભાવ : 

એને રિપુ, દ્વેષ, શત્રુ, વૈરી, ક્ષત, રોગ, નષ્ટ, ત્રિક, ઉપચય, આપોકિલમ અથવા ષષ્ઠ ભાવ કહે છે. આ ભાવનો કારક મંગળ છે.

આ ભાવ દ્વારા જાતકનાં શત્રુ, ચિંતા, સંદેહ, જાગીર, મોસાળ પક્ષ, યશ, પીડા, ગુદાસ્થાન, રોગ સંબંધી વિચારાય છે.

સપ્તમ ભાવ : 

એને જાયા, સ્ત્રી, મદન, કામ, સૌભાગ્ય, ધુત, કેન્દ્ર અથવા સપ્તમ ભાવ કહે છે. એનો કારક શુક્ર છે.

આ ભાવ દ્વારા જાતકની સ્ત્રી, કામેચ્છા, મૃત્યુ, સહવાસ, વિવાદ, સ્વાસ્થ્ય, ગુહ્યાંગ, વ્યવસાય, કલહ અને જાતીય રોગો વિષે વિચારાય છે. આ ભાવમાં વૃશ્વિક રાશિ હોય તો તે બળવતર થાય છે.

અષ્ટમ ભાવ : 

એને આયુ, ત્રિકૂ, રન્ધ્ર, જીવન, ચતુરસ, પણફર અથવા અષ્ટમ ભાવ કહેવાય છે. આ ભાવનો કારક શનિ છે.

આ ભાવ દ્વારા જાતકના આયુ, જીવન, મૃત્યુ, મૃત્યુનાં કારણ, વ્યાધિ, માનસિક ચિંતા, અસત્ય, સમુદ્રયાત્રા, સંકટ, લિંગ, યોનિ, અંડકોષ આદિના રોગ વિષે વિચારય છે.

નવમ ભાવ :  

એને ધર્મ, પુણ્ય, ભાગ્ય, ત્રિકોણ તથા નવમ ભાવ કહે છે. આ ભાવનો કારક ગુરૂ છે.

આ ભાવ દ્વારા જાતકનાં તપ, શીલ, ધર્મ, વિધા, પ્રવાસ, તિર્થયાત્રા, દાન, માનસિક વૄત્તિ, ભાગ્યોદય, જ્ઞાન વિષે વિચારાય છે.

દશમ ભાવ : 

એને વ્યોમ, ગગન, નભ, રવ, મઘ, આસ્પદ, માન, આજ્ઞા, વ્યાપાર, કેન્દ્ર તથા દશમ ભાવ કહે છે. આ ભાવનો કારક બુધ છે.

આ ભાવ દ્વારા જાતકના પરાક્રમ, અધિકાર, એશ્વર્ય, યશ, નેતૃત્વ, પ્રભુતા, પ્રતિષ્ઠા, રાજ્ય, નોકરી, વ્યવસાય અને પિતૃસુખ સંબંધી વિચારાય છે.

આ ભાવમાં મેષ, સિંહ, વૃષભ અને મકર રાશિનો પૂર્વાર્ધ અને ધન રાશિનો ઉત્તરાર્ધ એને બળવાન બનાવે છે.

એકાદશ ભાવ : 

એને લાભ, આયુ, ઉત્તમ, ઉપચય, પણફર તથા એકાદશ ભાવ કહે છે. આ ભાવનો કારક ગુરુ છે.

આ ભાવ દ્વારા જાતકની સંપત્તિ, એશ્વર્ય, માંગલિક કાર્ય, વાહન, રત્ન, સંપત્તિની પ્રાપ્તિ સંબંધી વિચારાય છે.

દ્વાદશ ભાવ : 

એને વ્યય, પ્રાન્ત્ય, ત્રિક, રિષ્કૃ, અન્તિય અથવા દ્વાદશ ભાવ કહે છે.

આ ભાવ દ્વારા જાતકની હાનિ, વ્યય, દંડ, વ્યસન, રોગ, દાન, બાહ્ય સંબંધો વગેરે સંબંધી વિચારાય છે.

જન્મકુંડલી એ જાતકના જન્મદિવસ, સમય અને સ્થળના, સમયના સંદર્ભમાં બનાવેલો આકાશનો નક્શો છે. આકાશમંડળના રાશિચક્રમાં પરિભ્રમણ કરતાં ગ્રહોની ચોક્કસ સ્થિતિનો એ નિર્દેશ કરે છે. ૩૬૦ અંશના રાશિચક્રના ત્રીસ અંશોમાં સરખા બાર ભાગ પાડી બાર રાશિ દર્શાવવામાં આવે છે. આવા પ્રત્યેક ભાગને સ્થાન, ભુવન કે ભાવ કહેવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર એ ભાવફળ, રાશિફળ અને ગ્રહફળના પરસ્પર સંબંધ અને સમન્વય પર અંતરસ્ફૂરણાથી કરેલું ભવિષ્યકથન છે.

જન્મકુંડળીમાં ભાવ નિશ્ચિત રહે છે. રાશિનો અંક આપવામાં આવે છે અને ગ્રહનો આધ અક્ષર ભાવમાં લખવામાં આવે છે. પ્રથમ ભાવને લગ્ન કહે છે.

લગ્ન એટલે જન્મસ્થળે, જન્મસમયે, પુર્વ દિશામાં આકાશમાં ઉદિત થતી જે રાશિ હોય તે.

જન્મકુંડળીના ભાવને ડાબી બાજુથી ગણવામાં આવે છે. ( ઘડીયાળના ઊંધા કાંટાની જેમ ) એટલે ૨૪ કલાકમાં દરેક સ્થળે પૂર્વ દિશામાં રાશિચક્રનો એક ભાવ આવતો જાય છે. આમ સરેરાશ બે કલાકે જન્મલગ્નની રાશિ બદલાતી જાય. સવારે સૂર્યોદય વખતે જન્મ હોય તો સૂર્ય (પૂર્વમાં) પહેલા ભાવમાં (લગ્નમાં) આવશે. ચોથો ભાવ તે દક્ષિણ દિશા, સાતમો ભાવ એ પશ્ચિમ દિશા અને દશમો ભાવ એ ઉત્તર દિશા છે. અથવા માથા પરનું આકાશ (meridian) છે. બપોરે સાડાબારે જન્મ હોયતો દશમા ભાવમાં અને મધ્ય રાત્રિએ જન્મ હોય તો સૂર્ય ચોથા ભાવમાં હોય છે. સવારથી મધ્યાહન સુધી સૂર્ય ૧ થી ૧૦ ભાવમાં, મધ્યાિહનથી સૂર્યાસ્ત સુધી ૧૦ થી ૭ ભાવમાં, સૂર્યાસ્તથી મધ્યરાત્રિ સુધી ૭ થી ૪ ભાવમાં અને મધ્યરાત્રિથી સૂર્યોદય સુધી ૪ થી ૧ ભાવમાં રહે છે. આમ સૂર્ય ક્યા ભાવમાં રહ્યો છે તે ઉપરથી જન્મના સમયને કુંડળી જોતાં જ કહી શકાય.

જ્યોતિષશાસ્ત્ર પુનર્જન્મમાં માને છે, એટલે જન્મકુંડળી એ ખરેખર તો જાતકના પૂર્વજન્મનાં સંચિત પાપ-પુણ્યનું સરવૈયું છે. ભૃગુૠષિ તો એમ માને છે કે વ્યક્તિ એના પાછલા સાત જન્મનાં પાપ અને પુણ્યનું ફળ પ્રત્યેક જન્મમાં ભોગવે છે. એક જન્મનાં અધૂરાં કાર્યો બીજા જન્મમાં આગળ ધપાવે છે.

જન્મકુંડળીના બાર ભાવોનાં નામ નીચે પ્રમાણે છે 

(૧) તનુ (૨) ધન (૩) સહજ (૪) સુહ્રદ (૫) પુત્ર (૬) રિપુ (૭) જાયા (૮) આયુ (૯) ધર્મ (૧૦) કર્મ (૧૧) લાભ (૧૨) વ્યય.

આગામી પૃષ્ઠ »