મેષ લગ્નના ભિન્ન ભિન્ન ભાવોમાં ચંદ્રનું ફળ નીચે મુજબ છેઃ


પ્રથમ ભાવ –
પહેલા ભાવમાં ચંદ્ર એના મિત્ર મંગળની મેષ રાશિમાં રહ્યો છે, એના પ્રભાવથી જાતકને સુખ અને માનસિક શાંતિ મળશે. જાતક વિવેકી, બુધ્દિમાન, સુંદર શરીરવાળો અને ભૂમિ, મકાન અને ગૃહજીવનનું સુખ સારું પ્રાપ્ત કરશે. પ્રથમ ભાવનો ચંદ્ર એના સામાન્ય મિત્ર શુક્રની રાશિ તુલા પર દ્રષ્ટિ કરે છે, એટલે જાતકને વ્યવસાયમાં સફળતા અને સ્ત્રીસુખમાં પ્રસન્ન્તા મળશે.
મનનો સ્વામી ચંદ્દ જ્યારે કેન્દ્રમાં હોય ત્યારે જાતક પ્રસન્ન મનનો હોય છે. તે સુખ, શાંતિ, સ્વાસ્થ્ય, ઉન્નતિ અને પ્રસન્ન દામ્પત્ય અનુભવે છે.


દ્વિતીય ભાવ –
બીજા ભાવમાં વૃષભનો ઉચ્ચ ચંદ્ર એના સામાન્ય મિત્ર શુક્રની રાશિમાં હોય તો જાતક ધનવાન અને જમીનજાયદાદવાળો થાય છે. જાતકના કુટુંબમાં પણ વૃધ્દિ થાય છે. જાતકને આ સ્થાનમાં માતૃસુખની કંઈક ઊણપ જણાય છે.
આ સ્થાનથી ચંદ્ર આઠમા સ્થાનમાં એના મિત્ર મંગળની વૃશ્ચિક રાશિ પર દ્રષ્ટિ કરે છે એટલે જાતકને આયુષ્ય, સ્વાસ્થ્ય અને આકસ્મિક પ્રાપ્તિમાં ઊણપ અનુભવાય છે. દૈનિક જીવનમાં પણ કંઈ અશાંતિ રહે છે.

તૃતીય ભાવ – ત્રીજે ચંદ્રમા એના મિત્ર બુધની મિથુન રાશિમાં છે. આથી જાતકને ભાઈ-બહેનોનું સુખ અને પરાક્રમની વૃધ્દિ થાય છે. જાતકની માનસિક સ્થિતિ પ્રબળ હોય છે. ભુમિ, મકાન વગેરેનું સુખ પ્રાપ્ત કરી આનંદમય જીવન ગાળે છે.
આ સ્થાનથી ચંદ્ર એના મિત્ર ગુરુની નવમે ધન રાશિને જુએ છે. એટલે જાતક વિદ્વાન, ભાગ્યશાળી, ધર્મી, દાની અને ઉદાર સ્વભાવવાળો થાય. જીવનમાં ધન અને યશની પ્રાપ્તિ કરી સદાચારી માર્ગે જીવન જીવે.

ચતુર્થ ભાવ –  ચોથા ભાવમાં ચંદ્ર સ્વરાશિ કર્કમાં સ્વક્ષેત્રી છે, એટલે માતા, ભૂમિ, મકાન, સંપત્તિ વગેરેનું સંપૂર્ણ સુખ જાતકને મળે છે. મનોરંજનનાં વિવિધ સાધન પણ જાતકને સદૈવ પ્રાપ્ત થાય.
 ચોથા ભાવથી ચંદ્ર શનિની મકર રાશિવાળા દસમા ભાવ પર દ્રષ્ટિ કરે છે, એટલે જાતકને પિતાથી અણબનાવ અને રાજકીય કાર્યોમાં કંઈ અધૂરપ જણાય. આ ભાવનો જાતક માતાથી સુખી, પિતાથી વિમુખ છતાં ધન, સંપત્તિ અને આનંદનો ઉપભોગ તો કરે જ છે.

પંચમ ભાવ – આ ભાવમાં ચંદ્ર એના મિત્ર સૂર્યની સિંહ રાશિમાં છે, એટલે જાતક વિદ્વાન બુદ્ધિમાન અને સન્તતિવાન થાય. એને સંપત્તિ, મકાન અને મનોરંજનનું સુખ મળે છે.

પાંચમા ભાવથી ચંદ્ર અગિયારમા ભાવમાં શનિની કુંભ રાશિ પર દ્રષ્ટિ કરે છે, એટલે જાતકને ધન, સંપત્તિ માટે સંઘર્ષ કરવો પડે, છતાં શાન્ત સ્વભાવથી સંઘર્ષમાં પણ તેને સફળતા મળે છે. આવા જાતકો શાંત, સંતોષી, ચતુર, સંપત્તિવાન, વિદ્વાન અને સતત સંઘર્ષરત રહી સફળ થનારા હોય છે.

ષષ્ઠ ભાવ – છઠ્ઠા સ્થાનનો ચંદ્ર  એના મિત્ર બુધની કન્યા રાશિમાં રહ્યો છે, એટલે જાતકના ગૃહજીવનમાં અધૂરપ અને અશાંતિ રહે છે; પરંત્તુ શત્રુ પક્ષ પર વિજયી થઈ ધૈર્ય અને વિનમ્રતાથી વિપત્તિઓને પડકારે છે.      

      છઠ્ઠા સ્થાનના ચંદ્રની દ્રષ્ટિ બારમા સ્થાને એના મિત્ર ગુરુની મીન રાશિ પર પડે છે, એટલે જાતક સદકાર્યોમાં અધિક સમય ગાળે છે અને જન્મ સ્થાનથી ઘણે દૂર બીજા સ્થાનોમાં સુખ અને સમૃદ્ધિ પામે છે.ઽઅવા જાતકો ધૈર્યવાન, વિનમ્ર, ગૃહજીવન્ન દુઃખી અનેક પ્રકાર્ની આંટીઘુંટીમાં અટવાયેલા અને ખર્ચાઓમાં ફસાયેલા હોય છે.  

સપ્તમ ભાવ – સાતમા ભાવમાં ચંદ્ર એના સામાન્ય મિત્ર શુક્રની તુલા રાશિમાં છે. એના પ્રભાવથી જાતકને સૌંદર્ય, ભોગવિલાસ અને સ્ત્રીસુખની પ્રાપ્તિ થાય છે. સાથે સાથે વૈભવ અને વ્યવસાયમાં પણ સફળતા મળે છે.      

     સાતમા ભાવનો ચંદ્ર પહેલા ભાવમાં એના મિત્ર મંગળની મેષ રાશિને જુએ છે. એટલે જાતકને શારીરિક સૌષ્ઠવ, સુખ, આનંદ અને યશની પ્રાપ્તિ નિરંતર થતી રહે છે. આવા જાતક વિલાસ અને વૈભવવાળા, વ્યવસાયમાં સફળ અને યશ-સન્માન પ્રાપ્ત કરનાર હોય છે.

  અષ્ટમ ભાવ – આઠમા આયુ, મૄત્યુ અને વ્યાધિના ભાવમાં મંગળની વૃશ્ચિક રાશિમાં રહેલો ચંદ્ર ભૂમિ અને જંગમ સંપત્તિને નુકશાન કરે છે, માતૄસુખની ઊણપ અને ગૄહજીવનમાં અશાંતિ સર્જે છે. એનું આયુષ્ય સંકટોથી ભરેલું  અને દૈનિક જીવન અસ્તવ્યસ્ત હોય છે. ઘણું કરીને એને જન્મભૂમિથી દૂર રહેવું પડે છે.           

આ ભાવથી ચંદ્રની દ્રષ્ટિ બીજા ભાવ પર પડે છે, એટલે સુખ અને સંપત્તિનો યોગ એને મળતો રહે છે, છતાં એની પ્રાપ્તિ માટે એને સતત પ્રયત્નશીલ રહેવું પડે છે.

નવમ ભાવ  – નવમા ભાવમાં ત્રિકોણ સ્થાનમાં એના મિત્ર ગુરૂની ધન રાશિમાં રહેલો ચંદ્ર જાતકને શક્તિ, સામર્થ્ય આપી માતા, ભૂમિ અને સંપત્તિનું સુખ આપે છે.     

          ધર્મ ભાવમાં રહેલા ચંદ્રથી જાતકનું મન ધાર્મિક કર્મોમાં લીન હોય છે અને દાન, પુણ્ય અને તીર્થયાત્રામાં સત્કાર્યો કરાવે છે.        

       નવમા સ્થાનનો ચંદ્ર એના મિત્ર  બુધની મિથુન રાશિને ત્રીજા સ્થાનમાં જુએ છે, એટલે જાતકના પરાક્રમની વૄદ્ધિ અને ભાઈ-બહેનોનું સુખ પણ મળે છે.      

         આ ભાવનો જાતક સદભાગી, સુખી, ધનસંપત્તિવાળો, પરાક્રમી અને ધર્માચરણ કરવાવાળો હોય છે.  

દશમ ભાવ – રાજ્ય, વ્યવસાય, કર્મ અને કેન્દ્રમાં શનિની મકર રાશિમાં રહેલો ચંદ્ર પિતાથી વૈમનસ્ય, રાજ્યથી સન્માન અને પરિશ્રમથી વ્યવસાયમાં સફળતા મેળવે છે.

             દશમા ભાવનો ચંદ્ર ચોથા ભાવમાં પોતાની જ કર્ક રાશિ પર દ્રષ્ટિ કરે છે, એટલે માતા તરફથી સુખ મળે છે. ભૂમિ – સંપત્તિ વગેરેનો પણ લાભ થાય છે.

          આ ભાવનો જાતક માતાથી સુખી પણ પિતાથી દુઃખી; પ્રયત્નથી અને મનોયોગથી સંપત્તિ સુખ પામે છે.  

એકાદશ ભાવ – અગિયારમા ભાવમાં લાભસ્થાનમાં શનિની કુંભ રાશિમાં રહેલો ચંદ્ર આવકનાં સાધનોમાં  ઊણપ અને અસંતોષ પેદા કરી જાતકનું જીવન કઠિન બનાવે છે,  છતાં સ્વપ્રયત્નથી પરિશ્રમી જાતક સફળતાની કેડી કંડારે છે.

            આ ભાવના ચંદ્રની દ્રષ્ટિ એના મિત્ર સૂર્યની સિંહ રાશિ પર પડે છે, એટલે જાતકની વિદ્યામાં અને  સંતાનોમાં વૄદ્ધિ થાય છે. આ ભાવનો જાતક વિદ્વાન,  સંતતિવાળો અને પ્રયત્નથી સંપત્તિ ભોગવનારો થાય છે.

દ્વાદશ ભાવ – બારમા ભાવમાં ચંદ્ર એના સામાન્ય મિત્ર ગુરુની મીન રાશિમાં હોય છે. જાતક કાર્યોમાં ઠાઠમાઠથી એનો વૈભવનો વ્યય કરે છે. બાહ્યબ સ્થાનોમાં સંબંધો અને પ્રતિષ્ઠા શ્રેષ્ઠ હોય છે.

           આ ભાવમાંથી ચંદ્ર એના મિત્ર બુધની કન્યા રાશિ ઉપર છઠ્ઠા સ્થાનમાં દ્રષ્ટિ કરે છે, એટલે  જાતક શત્રુપક્ષ સાથે સંયમ અને શાંતિથી કામ લે છે અને કલહોનું નિરાકરણ ચતુરાઈથી અને સફળતાથી કરે છે.

        આ ભાવનો જાતક સુખી અને સંતુષ્ટ જીવન ગાળે છે. શત્રુપક્ષ પર શાલીનતાથી અને સંયમથી વિજય પ્રાપ્ત કરે છે.