જન્મકુંડલી એ જાતકના જન્મદિવસ, સમય અને સ્થળના, સમયના સંદર્ભમાં બનાવેલો આકાશનો નક્શો છે. આકાશમંડળના રાશિચક્રમાં પરિભ્રમણ કરતાં ગ્રહોની ચોક્કસ સ્થિતિનો એ નિર્દેશ કરે છે. ૩૬૦ અંશના રાશિચક્રના ત્રીસ અંશોમાં સરખા બાર ભાગ પાડી બાર રાશિ દર્શાવવામાં આવે છે. આવા પ્રત્યેક ભાગને સ્થાન, ભુવન કે ભાવ કહેવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર એ ભાવફળ, રાશિફળ અને ગ્રહફળના પરસ્પર સંબંધ અને સમન્વય પર અંતરસ્ફૂરણાથી કરેલું ભવિષ્યકથન છે.

જન્મકુંડળીમાં ભાવ નિશ્ચિત રહે છે. રાશિનો અંક આપવામાં આવે છે અને ગ્રહનો આધ અક્ષર ભાવમાં લખવામાં આવે છે. પ્રથમ ભાવને લગ્ન કહે છે.

લગ્ન એટલે જન્મસ્થળે, જન્મસમયે, પુર્વ દિશામાં આકાશમાં ઉદિત થતી જે રાશિ હોય તે.

જન્મકુંડળીના ભાવને ડાબી બાજુથી ગણવામાં આવે છે. ( ઘડીયાળના ઊંધા કાંટાની જેમ ) એટલે ૨૪ કલાકમાં દરેક સ્થળે પૂર્વ દિશામાં રાશિચક્રનો એક ભાવ આવતો જાય છે. આમ સરેરાશ બે કલાકે જન્મલગ્નની રાશિ બદલાતી જાય. સવારે સૂર્યોદય વખતે જન્મ હોય તો સૂર્ય (પૂર્વમાં) પહેલા ભાવમાં (લગ્નમાં) આવશે. ચોથો ભાવ તે દક્ષિણ દિશા, સાતમો ભાવ એ પશ્ચિમ દિશા અને દશમો ભાવ એ ઉત્તર દિશા છે. અથવા માથા પરનું આકાશ (meridian) છે. બપોરે સાડાબારે જન્મ હોયતો દશમા ભાવમાં અને મધ્ય રાત્રિએ જન્મ હોય તો સૂર્ય ચોથા ભાવમાં હોય છે. સવારથી મધ્યાહન સુધી સૂર્ય ૧ થી ૧૦ ભાવમાં, મધ્યાિહનથી સૂર્યાસ્ત સુધી ૧૦ થી ૭ ભાવમાં, સૂર્યાસ્તથી મધ્યરાત્રિ સુધી ૭ થી ૪ ભાવમાં અને મધ્યરાત્રિથી સૂર્યોદય સુધી ૪ થી ૧ ભાવમાં રહે છે. આમ સૂર્ય ક્યા ભાવમાં રહ્યો છે તે ઉપરથી જન્મના સમયને કુંડળી જોતાં જ કહી શકાય.

જ્યોતિષશાસ્ત્ર પુનર્જન્મમાં માને છે, એટલે જન્મકુંડળી એ ખરેખર તો જાતકના પૂર્વજન્મનાં સંચિત પાપ-પુણ્યનું સરવૈયું છે. ભૃગુૠષિ તો એમ માને છે કે વ્યક્તિ એના પાછલા સાત જન્મનાં પાપ અને પુણ્યનું ફળ પ્રત્યેક જન્મમાં ભોગવે છે. એક જન્મનાં અધૂરાં કાર્યો બીજા જન્મમાં આગળ ધપાવે છે.

જન્મકુંડળીના બાર ભાવોનાં નામ નીચે પ્રમાણે છે 

(૧) તનુ (૨) ધન (૩) સહજ (૪) સુહ્રદ (૫) પુત્ર (૬) રિપુ (૭) જાયા (૮) આયુ (૯) ધર્મ (૧૦) કર્મ (૧૧) લાભ (૧૨) વ્યય.