ભારત અનેક આશ્ચર્યોનો દેશ છે. એની સંપત્તિ અને શાસ્ત્રોથી આકર્ષાઈને અનેક વિદેશીઓ ભારતમાં આવે છે. મેઘાવી ઋષિમુનિઓનાં શાસ્ત્રોનો પરિચય થતાં ધન્યતા અનુભવે છે. આવા આશ્ચર્યોમાં ભારતીય જ્યોતિષશાસ્ત્ર સંસારનાં આશ્ચર્યોમાં પણ એક પરમ આશ્ચર્ય છે. આજના વૈજ્ઞાનિક યુગમાં વિદેશી પંડિતોએ જ્યોતિષશાસ્ત્રને બુદ્ધિની કસોટીએ ચઢાવીને, પ્રયોગ અને પરીક્ષણ કરીને, એની સત્યતા અનુભવી છે. એના અદભુત સિદ્ધાંત અને ફલકથન પર પ્રશંસાના પુષ્પો વેર્યા છે.

પિતામહ બ્રહ્માએ સૃષ્ટિના કલ્યાણ માટે એને જોતિષશાસ્ત્રનું વરદાન આપ્યું. સર્વ શાસ્ત્રોના શિરોમણિ જેવું આ શાસ્ત્ર વેદાંગરૂપે સર્વસ્વીકૃત બન્યું. વ્યાસ, વશિષ્ઠ, નારદ, પારાશર, ભૃગુ, ચ્યવન, અંગિરસ, જૈમિની, ગર્ગ, શૌનિક, બૃહસ્પતિ, પરશુરામ, મય, વરાહમિહિર, આર્યભટ્ટ આદિ ઋષિઓએ અને આચાર્યોએ દિવ્ય, અંતરિક્ષ અને ભૌમનું અહોરાત્ર અવલોકન કરી ચિંતન, મનન, નિરીક્ષણ, પરીક્ષણ કરી, જ્યોતિપિંડોની ગતિ અને સ્થિતિના આધારે, પિંડ અને બ્રહ્માંડના સંબંધોના રહસ્યમય સિદ્ધાંતોનું નિરૂપણ કર્યું. એના આધારે ભૂત, વર્તમાન અને ભાવિના ભેદ ઉકેલ્યા. અગમ્ય અને અગોચર ગણાતું આ જ્યોતિષશાસ્ત્ર લોકાદર લોકપ્રિયતા પામ્યું.

ભારતીય જ્યોતિષના અસંખ્ય ગ્રંથ મહાકાલના પ્રવાહોમાં નષ્ટ થયા છે, છતાં આજ જે સ્થિતિ અને સંખ્યામાં એ ઉપલબ્ધ થાય છે, એ પણ સંસારનું એક પરમ આશ્ચર્ય છે. આનું શ્રેય અકિંચન અવસ્થામાં રહી, ત્યાગમય જીવન ગાળનાર વિધાવ્યાસંગી વિદ્ધનોને છે. રાજ્યાશ્રય અને લોકાશ્રય પામેલી આ વિધાનું કાળના ક્રૂર પ્રવાહ સામે અનેક મરજિવાઓએ જીવનના ભોગે રક્ષણ કર્યુ છે. પ્રાચીન વિધાના પુનરૂત્થાનના આ યુગમાં દિનપ્રતિદિન ભારતીય જ્યોતિષશાસ્ત્રનાં મહાન સત્યો અને મહાગ્રંથો પ્રકાશમાં આવતા જાય છે અને આપણે મેઘાવી આર્ય જ્યોતિષીઓની પ્રતિભાને શતશત વંદન કરીએ છીએ.

ભારતીય જ્યોતિષ શાસ્ત્રના સિદ્ધાંત, સંહિતાને હોરા-એવા ત્રણ પ્રમુખ વિભાગ છે. સિદ્ધાંત ગ્રંથ પણ કહે છે. દિનપ્રતિદિન વ્યવહારમાં ઉપયોગી પંચાગમાંનાં ગ્રહોની ગતિ અને સ્થિતિની ગણના માટે આ ગ્રંથોની રચના થઈ છે. અવલોકન અને અભ્યાસથી અંતર્જ્ઞાન અને આંતરદ્રષ્ટિથી આકાશમાં ભ્રંમણ કરતા જ્યોતિપિંડોની ગતિ અને સ્થિતિનું અદભુત અને પ્રાકૃતિક પ્રભાવનું કથન ભારતીય જ્યોતિષીઓએ કર્યું છે. મુહૂર્તરૂપે આપણા દૈનંદિન વ્યવહારમાં આ જીવંત શાસ્ત્ર વણાઈ ગયું છે. બૃહદ્દસંહિતા, લીલાવતી સિદ્ધાંત શિરોમણી. સૂર્યસંહિતા જેવા ગ્રંથોનો એમાં સમાવેશ થાય છે.

હોરા એ કુંડલીઓનું શાસ્ત્ર છે. આકાશમંડલમાં સ્થિત ગ્રહોની સ્થિતિ, ગતિ, નક્ષત્રો-રાશિઓમાં એવું  વિભાજન, એનાં બળાબળ, યોગોસંયોગોના આધારે શુભાશુભ ફલકથન, સંસ્કાર મુહુર્તોનું કથન વગેરે હોરાશાસ્ત્રમાં સમાયેલું છે. બૃહદ પારાશરી હોરાશાસ્ત્ર, બૃહદ જાતક, પારિજાત સારાવલી આદિ ગ્રંથો, જાતકનાં લક્ષણો અને ભાવિકથન માટે ઘણાં જ ઉપયોગી છે.

પરંતુ જ્યોતિષશાસ્ત્રના અભ્યાસીઓ અને સામાન્ય જનતાનું પરમ આકર્ષણ તો સંહિતા ગ્રંથો જ રહ્યા છે. સંહિતા અને નાડીગ્રંથોની ભૂજપત્ર અને તાડપત્ર પર લખાયેલ સેંકડો પોથીયો, પુસ્તકાલયોમાં અને કેટલીક વ્યક્તિઓ પાસે પણ ઉપલબ્ધ છે. સંહિતાઓ જ્યોતિષના સર્વજ્ઞાન સંગ્રહ જેવી છે. આવા લોકપ્રિય અને પ્રચલિત ગ્રંથોમાં કાલક્રમે પરિવર્તન અને પ્રક્ષિપ્ત અંશો પણ જોવા મળે છે. ભૂગુસંહિતા, નારદસંહિતા, રાવણસંહિતા, શુક્રનાડી, નંદીનાડી, ધ્રુવનાડી આદિ ગ્રંથો પૂર્ણરૂપે તો ઉપલબ્ધ નથી, છતાં એમાં આલેખિત જ્યોતિષનાં શાશ્વત સત્યો ઋષિમુનિઓની અદભૂત ક્રાન્ત દ્રષ્ટિનું જ ફળ છે. સંહિતા અને નાડીગ્રંથોમાં કુંડલીઓનાં આધારે વ્યક્તિના પૂર્વજન્મ આ જન્મ અને ભવિષ્યનું અદભુત કથન કરવામાં આવ્યું છે. પ્રત્યેક વ્યક્તિની જન્મકુંડલી પણ પ્રાયઃ સંહિતામાં મળી આવે છે.

આ સંહિતાઓમાં ભૃગુસંહિતા ગ્રંથમણિ છે. સમગ્ર ભારતમાં વિવિધ સ્વરૂપમાં અને ભિન્ન ભિન્ન લિપિઓમાં પ્રાપ્ય એની હસ્તપ્રતો જ એનું સાર્વભૌમત્વ અને જનપ્રિયતા સિદ્ધ કરે છે. જમ્મુની સરકારી લાયબ્રેરીમાંની એની પ્રતમાં ૧,૬૦,૦૦૦ શ્લોકો અને ૨,૩૦૦ કુંડળીઓ છે. પશ્ચિમ જર્મનીમાં લીપઝીક પુસ્તકાલયમાં પણ એની પ્રત છે. આ ઉપરાંત તાંજોર, વારાણસી, વડોદરા, મદ્રાસ, રાજમહેન્દ્રી આદી પુસ્તકાલયોમાં પણ એની હસ્તપ્રતો પ્રાપ્ય છે.